પુષ્ટિ માર્ગ નો પાયો

 



       પુષ્ટિમાર્ગના પાયામાં મુખ્ય ત્રણ રાગ,ભોગ, શૃંગાર નું મહત્વનું સ્થાન છે.વિવિધ પ્રકારની રાગ રાગીની ને શ્રવણ કરતા વિવિધ પ્રકારના શૃંગાર આભૂષણોને ધરતા, ઋતુ અનુસાર પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ ને રાગ,ભોગ, શૃંગાર ના વિવિધ કલાત્મક વિલાસ ના આવિર્ભાવ થી પોતાના નિજજન એવા ભગવદીય ના અંત:કરણમાં વિલસે છે.
        શ્રી મહાપ્રભુજી એ પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના કરી.આપશ્રીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજી અને ગોપીનાથજી ના પુત્ર શ્રી પુરૂષોત્તમજીએ આ સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર કરી એને દ્ગઢ કર્યો.શ્રીમદપ્રભુચરણોના સમયમાં તો આ સંપ્રદાયનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો.શ્રીમદપ્રભુચરણોએ આ સંપ્રદાય માં રાગ,ભોગ, શૃંગાર ને સ્થાન આપી અને વધુ સમૃદ્ધ બનાવ્યો છે.
       શ્રી ભાગવત આજ્ઞા કરે છે કે "જે માત્ર પોતાના માટે રાંધે છે તે પાપ રાંધે છે."ભોજન સામગ્રી તો પ્રભુ માટે સિદ્ધ કરવાની હોય,તે પ્રસાદી વૈષ્ણવો લે અને ત્યારબાદ આપણે એ લઈએ ત્યારે એ મહાપ્રસાદ આપણા અંત:કર્ણને પણ પુષ્ટ કરે છે.
પ્રભુ ને ધરેલી સામગ્રી ‌‌જ આપણા જીવન નિર્વાહ માટે પ્રસાદ રૂપે લેવામાં એક શાસ્ત્રોક્ત તથા વિજ્ઞાન ના નિયમ નું પણ તેમાં પાલન થાય છે.પ્રસાદી વસ્તુઓથી જ જીવન યાપન કરવાની શ્રીમહાપ્રભુજી ની આજ્ઞા છે."असमर्पित वस्तु ना,तस्माद् वर्जन
माचरेत"...
                  આથી જ‌ આ માર્ગ માં સિદ્ધ થતી વિવિધ સામગ્રીઓ પણ ભાવાત્મક છે.જુદા જુદા વ્રજભક્તોના ભાવથી ભાવિત છે.

              દા.ત . ખીર શ્રી સ્વામિનીજી ના ભાવથી આવે છે

      પુષ્ટિ પ્રભુને નીત નવી નવી સામગ્રી ધરતાં ધરતાં આપણને એમ થાય કે હે પ્રભુ!હે રસેશ!! હું પણ આપની જ સામગ્રી છું. આપ મારો અંગીકાર ક્યારે કરશો? ક્યારે સ્વરૂપાનંદનુ દાન કરશો?વિરહકાતર પુષ્ટિપ્રભુ મારી આ આર્તિ નિવારણ કરે તે જ યાચું છું...
      બડભાગી વૈષ્ણવો શ્રીમહાપ્રભુજી ની કા'ની થી પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પ્રભુને જે સામગ્રી-ભોગ આરોગવા ધરાવે છે તે સવળી સામગ્રી પ્રભુ પ્રેમથી આરોગે છે.

                           સામગ્રી  સમજ

                               
                               -:   દૂધ ઘર  :-

સ્વગૃહે શુદ્ધતા સાથે દૂધમાંથી માવો સિદ્ધ કરી જે સામગ્રી સિદ્ધ થાય તે દૂધઘર કહેવાય છે.માખણ,મિસરી,દહીં,મલાઈ,શ્રીખંડ, બાસુંદી, વગેરે સામગ્રી નો સમાવેશ દૂધઘર માં થાય છે.

                               -:  નાગરી  :-

ઘી,લોટ અને ખાંડ થી સિદ્ધ (બનતી) થતી સામગ્રી નાગરી કહેવાય છે.આ પ્રકારની સામગ્રી ‌‌‌‌‌સિધ્ધ કરવામાં જળ (પાણી),દૂધ‌ કે દહીં નો જરાપણ ઉપયોગ કરવામાં આવતો નથી.

                               -:  અનસખડી  :-

આ પ્રકારની સામગ્રી સિદ્ધ કરવામાં ઘી, ખાંડ અને જળ (પાણી),દૂધ કે દહીં થી‌ થતી સામગ્રી અનસખડી તરીકે ઓળખાય છે.જેવી કે મઠડી, બુંદી, મોહનથાળ.

                              -:  સખડી  :-

તેલ, મીઠું (લુણ), મસાલા વગેરે જે સામગ્રી સિદ્ધ કરવામાં ઉપયોગમાં આવ્યા હોય તેમજ દાળ,ચોખા વગેરે અનાજથી સિદ્ધ થતી સામગ્રી સખડીના પ્રકારમાં ગણાય છે.
દહીં માં સિદ્ધ થયેલ અનસખડી સામગ્રી માં મીઠા(લુણ)ને બદલે સિંધવ પધરાવવામાં આવે તો એ સામગ્રી સખડી થતી નથી.જેમ કે દાળ-સખડી(ભાત),કઢી,ટોકરી(શાક),કઠોળ,રોટલી વગેરે....

                               -:  ફળાહાર  :-

            પુષ્ટિમાર્ગીય પ્રણાલી અને પરંપરા અનુસાર;
દર એકાદશી કે ચાર જ્યંતિ ના વ્રત માં ફળાહાર ની સામગ્રી ઘી અને સિંધવ થી કરવી.
             ફળાહાર માં મોરૈયો, શિંગોડા, રાજગરો, સીંગ,કુટી નો ડારો, સૂકોમેવો,ફળ, રતાળુ, શક્કરિયા, બટાકા,સુરણ, કાકડી, ભીંડા,ફોઈના પાન,પરવળ,દૂધી ની સામગ્રી સિદ્ધ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌કરી શકાય છે.
               પ્રભુ રસરૂપ છે, સ્વયં રસમય છે,રસાત્મા છે, સદાય રસમાં જ રસ્યા રહે છે,રમમાણ રહે ‌‌‌‌છે. તેથી જ રસસભર લીલાસૃષ્ટિ ના પ્રભુ રસેશ..." પુષ્ટિ રસથાળ એટલે રસેશ્વર નો રસથાળ"

      
               
                              

Comments